ધોરણ 10,12 માર્ચ 2020 મૂલ્યાંકન...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પાંચ માર્ચથી 21 માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની કામગીરી છેલ્લા દસ દિવસથી બંધ છે અને અગાઉ બોર્ડ દ્વારા 31મી માર્ચ સુધી મૂલ્યાંકન કામગીરી બંધ રાખવાના આદેશ બાદ વડાપ્રધાને 14મી એપ્રિલ સુધી સમગ્ર દેશ લોકડાઉન જાહેર કરતાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પણ 14 એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે.

ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી બંધ રહેતા પરિણામમાં વિલંબ થાય તેમ હોવાથી કેટલાક લોકોએ ઉત્તરવહી શિક્ષકોને ઘરે તપાસવા આપવાની માગ કરી હતી જેને લઇને ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન કે જે શાહે જણાવ્યું કે શિક્ષકોને ઉત્તરવહી તપાસવા આપવાનું શક્ય થાય તેમ નથી. શિક્ષકોને ઉત્તરવહી ઘરે તપાસવા ન આપી શકાય. હાલની માત્ર રાજ્યની અને દેશની જ નહીં પરંતુ કોરોનાવાયરસની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અને વડાપ્રધાન દ્વારા પણ 14મી એપ્રિલ સુધી અપાયેલા લોકડાઉનને લઈને ઉત્તરવહી તપાસવાની કામગીરી પણ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.
ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં હજારો શિક્ષકોને ઓર્ડર થતા હોય છે ત્યારે આવા સમયમાં શિક્ષકોને મૂલ્યાંકન કેન્દ્ર ઉપર બોલાવીને ઉત્તરવહી તપાસી ન શકાય. આ વર્ષે ભલે પરિણામમાં વિલંબ થાય પરંતુ 14મી સુધી કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે તેમજ હાલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ બાબતે કોઈ પણ વિચારણા કરવામાં પણ આવી નથી.
મહત્વનું છે કે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમ જ વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 17.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે અને જેમની પરીક્ષા 21મી માર્ચે પૂર્ણ થયા બાદ તરત જ લોકડાઉનની પરિસ્થિતિ ઉપસ્થિત થતા ઉત્તરવહી તપાસવાની કામગીરી સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે.

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...