શ્રી કનુભાઇને શ્રદ્ધાંજલિ...



*આચાર્યશ્રીનો શોક સંદેશો અને સંસ્મરણો...*

હું આચાર્ય તરીકે હાજર થયો ત્યારે ખૂબ જ ખુશીથી, બે હાથ જોડી વંદન કરીને ખુશખુશાલ ચહેરે મને 'સાહેબ'તરીકે આવકારી "કશું બી કામ હોય તો કહેજો,સાહેબ...અડધી રાતે બી કરવા તૈયાર...."  એવી ગમી જાય એવી હૈયાધારણ આપનારનું નામ પાંચ પૈકીના સેવકભાઈઓમાંથી યાદ રહી ગયેલું અને મોઢે ચઢી ગયેલું...કારણ સ્કૂલમાં બે કનુભાઈમાંથી એક સેવક એટલે આ...
પછી તો નિત્યક્રમ મુજબ શાળામાં આવીને સહી કરતી વખતે હસીને દર્શન કરતાં હોય એમ અભિવાદન કરવું, સોંપેલા કાર્યને હસતાં મોઢે હાથમાં લેવું, પૂર્ણ કરીને જ આવવું, કોઈ પણ વિઘ્નને પોતાના અનુભવો અને આવડતથી નિપટાવવું,સ્વચ્છ,સુઘડ અને વિવિધ કપડાંમાં આવવું, ક્લીન શેવ હોવું, શાંતિ અને નમ્રતાથી વાત કરવી...વગેરે જેવી બાબતો મને પ્રભાવિત કરી જતી અને એમના પ્રત્યે આદર જન્માવતી.

લગભગ અઢી મહિના એમના સાનિધ્યમાં ઓફીસ સંભાળી.

આવો હસતો ગમતો માણસ એક દિવસ ગમગીન જણાયો.ફેસ રીડીંગ પારખવાની શક્તિથી મેં પ્રેરાઈને એમને હળવા કરવા ભારપૂર્વક જે હોય તે જણાવવા આદેશાત્મક ભાવે કહ્યું. અને પછી એ સિંહ જેવો માણસ સસલાંની જેમ મારા ટેબલ આગળ જ ઢળી પડ્યો અને રડી પડ્યો. અન્ય મિત્રોની મદદથી એમને પૂછતાં દિલનો  સઘળો ડૂમો સ્વજન બની ઠાલવી દીધો.

પછી એક દિવસ અચાનક જાણવા મળ્યું કે 'બાપુ'ને ગર્લ્સમાં એટલે અમારી ભગિની સંસ્થામાં ફરજ સ્થળાંતર કરવું પડશે.સાંભળીને થોડો આઘાત લાગ્યો હતો.પણ વહીવટી કારણોસર એમને જવા દેવા પડેલાં. પરંતુ અમારી જ સંસ્થા સંચાલિત પડોશીની શાળામાં જવાનું હતું એનો આનંદ પણ હતો.ત્યાં ગયા પછી વહીવટી અને અન્ય કામો માટે અવારનવાર મળવાનું થતું. હું પૂછું કે "કેમ ચાલે છે ?" તો કહેતાં "સારુ...પણ...પછી સ્મિત...  

તારીખ 17 જૂન સાંજે પહેલાં મેસેજ અને પછી કોલથી જાણવા મળ્યું કે કનુભાઈ આ જગમાં નથી રહ્યાં, ત્યારે એક આઘાત લાગી ગયો હતો. કનુભાઈ જેવાં વફાદાર,, ઉદ્યમી અને પ્રમાણિક માણસ મળવાં મુશ્કેલ છે.

આજે એમની શોક સભાના દિવસે એમને યાદ કરી અમે સૌ જ્યુબિલીયન્સ્ એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

આપની સેવાઓ બદલ આપનો આભાર શ્રી કનુભાઈ.

આપના આત્માને શાંતિ હો.

*ટ્રસ્ટી મંડળ તરફથી શોક સંદેશ...*

શ્રીકનુભાઈ વાઘેલાની અણધારી વિદાયથી વ્યથિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ટ્રસ્ટ, ઉમરેઠના ચેરમેન શ્રી દીપકભાઈ દવે, મંત્રીશ્રી રશ્મિનભાઈ શાહ,અન્ય કારોબારી સભ્યો અને સૌ સભાસદ મિત્રોએ ઊંડા દુખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.અને સદગત શ્રી કનુભાઈને શ્રદ્ધા સુમન આપીને એમની સેવાઓને બિરદાવી છે તથા પરિવારજનોને આશ્વાસન આપ્યાં છે.


*શ્રી કે.આઈ.પટેલિયા દ્વારા શ્રદ્ધાંજલિ*

શ્રીકનુભાઈ વાઘેલાની અણધારી વિદાયથી હૈયું ભારે વિષાદની લાગણીઓથી ભરાઈ ગયું છે. શ્રી કનુભાઈને શાળાના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓમાં પ્રથમ પંક્તિમાં મૂકી શકાય. છલોછલ પ્રસન્નતા અને વાણીનું માધુર્ય ધરાવતા શ્રી કનુભાઈના આત્માને ભગવાન શાંતિ આપે અને પરિવારજનો  આશ્વાસન આપે એવી પ્રાર્થના પણ કરું છું.

*શ્રી ડી એસ. રોહિત દ્વારા શ્રદ્ધાંજલિ*

શ્રી કનુભાઈ.એમ.વાઘેલા ધીજ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ માં છેલ્લા વીસ વર્ષ થી સેવક તરીકે ફરજ બજાવતા હતા.તેઓ શ્રી તા.૧૫/૬/૨૦૨૦ના રોજ સ્વર્ગે સિધાવ્યા છે.તેઓ ચકલાસી(રઘૂપુરા)ના વતની હતા.અમારી જ્યુબિલિ પરિવારના એક સેવાભાવી અને સંનિષ્ઠ સેવકભાઈ હતા.હંમેશા તેમનો ચહેરો હસતો રહેતો,સ્કુલનું કોઈ પણ કામ તેઓ ખુબજ રસપૂર્વક અને ખંત થી કરતા.શિક્ષકમિત્રો ના અંગત કામ પણ દિલ થી કરતા.શાળા પરિવારના સભ્યોના સામાજિક 
પ્રસોંગોમાં પણ કનુભાઈ ની હાજરી અવશ્ય રહેતી.અને પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુંધી રોકાતા. તેમણે કોઈની પણ 
સાથે અસભ્ય વર્તન કર્યું નથી.તેમના સામાજિક પ્રસંગોમાં કનુભાઈ દરેક કર્મચારી મિત્રો ને ખુબજ પ્રેમથી
આમંત્રણ આપતા.અને જ્યારે તેમના ઘરે જઈએ ત્યારે તેઓ ખુબજ ખુશખુશાલ થઇ જતાં.આવા શ્રી કનુભાઈ ની ખોટ શાળા ને પડવાની છે. જે પુરાઈ તેમ નથી.કનુભાઈ એ પરિવાર માંથી અચાનક વિદાય લીધી તેથી શાળા પરિવાર દુઃખની લાગણી અનુભવે છે.
પરમ કૃપાળુ પરમેશ્વર તેમના આત્મા ને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના.🙏🌹




Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...