21 ડિસેમ્બરની મહાયુતિ...



🎯 2020નું વર્ષ તો કોરોનાની મહામારી તથા દરિયાઈ તોફાનોથી ખૂબ દુ:ખદાયક રહ્યું, પરંતુ વર્ષનું સમાપન તો એક અતિ સુંદર તથા ભાગ્યે જ જોવા મળતી આકાશીય ઘટના થી થશે! 


🎯 ગુરુ તથા શનિ બંને ગ્રહો આશરે છેલ્લા 400 વર્ષોમાં સૌથી નજીક આવશે. આ ઘટના ને મહાયુતિ (The Great Conjunction) કહે છે. 


🎯 21 ડિસેમ્બરે બંને ગ્રહો લગભગ એકબીજાને સ્પર્શતા હોય તેમ દેખાશે! બે આકાશીય પદાર્થો એકબીજાની નજીક આવે તો તે ઘટનાને યુતિ કહેવાય. 

પરંતુ 

ગુરુ અને શનિ તો એકબીજાની નજીક ૨૦ વર્ષ માં ફક્ત એકવાર નજીક આવે છે, આથી જ આ ઘટના ને મહાયુતિ કહેવામાં આવે છે. 


🎯 આજકાલ સાંજ ના આકાશમાં નૈઋત્ય દિશામાં (દક્ષિણ-પશ્ચિમ) આપણે જોઈએ તો રોજ ગુરુ શનિ ગ્રહની નજીક સરકતો દેખાય છે. 

સૂર્યાસ્ત પછી તમે બંને ને આસાની થી નીરખી શકો! પ્રકાશિત દેખાતો ગ્રહ તે ગુરુ અને તેની નજીક માં દેખાતો ઝાંખો ગ્રહ તે  શનિ!


🎯૨૧મી ડિસેમ્બર ના રોજ એટલે કે મહાયુતિના દિવસે ગુરુ અને શનિ બંને ગ્રહો એકબીજાથી માત્ર ૦.૧ અંશ જેટલાજ દૂર હશે. 

બંને મળીને જાણે એક જ "તારો" હોય તેવું લાગશે ! જો કે ધ્યાન પૂર્વક જુઓ તો બંને ને અલગ અલગ જોઈ શકશો! પછીના દિવસોમાં બંને વચ્ચે અંતર  વધતું જશે અને પશ્ચિમ તરફ ગતિ કરતાં કરતાં બંને સૂર્યપ્રકાશમાં વિલીન થઈ જશે. 


🎯 લગભગ છેલ્લા 400 વર્ષોમાં, એટલે કે ગૅલિલિઓ દ્વારા ટેલિસ્કોપ ની શોધ પછી સૌથી નજીક માં ગુરુ અને શનિ બંને ગ્રહો આવ્યા હોય તેવી આ પ્રથમ મહાયુતિ હશે. બંને ગ્રહોની મહાયુતિ તો 20 વર્ષ ના અંતરે થતી રહે છે, પરંતુ આટલા નજીક તો  જવલ્લે જ આવે છે.


🎯 ૨૧ મી ડિસેમ્બર ના રોજ મહાયુતિ નું અલૌકિક દૃષ્ય જોવાનું ચૂકશો નહીં. નહિ તો ૦૨ નવેમ્બર ૨૦૪૦ કે ૦૭ એપ્રિલ ૨૦૬૦ સુધી રાહ જોવી પડશે! પણ ત્યારે આ બંને ગ્રહો આટલા નજીક નહિ હોય. તેમની વચ્ચેનું અંતર ૧.૧ અંશ અર્થાત્ આ વખતે હશે તેનાથી ૧૧ ગણું વધારે હશે. 


🎯 પહેલું ચિત્ર 18 ડિસેમ્બર તથા બીજું ચિત્ર 21 ડિસેમ્બર મહાયુતિ વેળા નું છે (આભાર: નેહરૂ તારામંડળ, મુંબઈ). ત્રીજું ચિત્ર મહાયુતિના સમયે અવકાશમાં ગુરુ, શનિ તથા પૃથ્વી ની સ્થિતિ દર્શાવે છે (આભાર: timeanddate). 


🎯 21 મી ડિસેમ્બર 2020 એક ખાસ દિવસ છે. વર્ષનો સૌથી નાનો દિવસ તો ખરો જ! સાથોસાથ વાસ્તવિક ઉત્તરાયણનો દિવસ પણ છે! આ દિવસે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરશે! 


હૅપી ગુરુ-શનિ મહાયુતિ! 🥳🥳🥳


✍️ વિનય કામ્બલે ('મિનિસ્ટ્રી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલૉજી, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા'નાં ભૂતપૂર્વ સલાહકાર)

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...