શિક્ષક દિવસ 2021





કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક,

ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક.


શબ્દોનાં ભાથામાંથી છોડે એવા તીર,

પંગુને પહાડો ઓળંગાવે તે શિક્ષક.


ગ્રંથોનાં આટાપાટા ઉકેલી સૌને,

મિથ્યાં ગ્રંથીઓથી છોડાવ તે શિક્ષક.


સૂરજ જેમ તપી બાળે મનનાં સંશયને,

સ્નેહ તણી વર્ષાથી ભીંજાવે તે શિક્ષક.


પંખીનો માળો જાણે ગૂંથીને  વર્ગમાં,

ટહૂંકાઓ ભીંતે જે ચિતરાવે તે  શિક્ષક.


જ્ઞાન તણા પ્રકાશે જળહળતું કરવા જગને,

શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક.


બાળકનાં વૃંદાવન જેવા માનસપટ પર,

નિર્ભયતાની કૂંપળ ઉગાવે તે શિક્ષક.


જાદુગર જાણે કે કાચા પીંડ ઘડીને,

ચેતનવંતા શિલ્પો કંડારે તે શિક્ષક.


આંખે ગીતા, કુરાનનો આંજીને સાર,

દુઃખી જનની પીડા વંચાવે તે શિક્ષક.


ફૂલોમાં ફોરમ, પથ્થરમાં ઈશ્વર જોવા,

માના સ્તરે જઈને સમજાવે તે શિક્ષક...

 

ઓન લાઈન હોય કે ઓફ લાઈન ,

પોતાનાં સત્ત્વસભર સંસ્કારો થકી 

વિદ્યાર્થીઓને સહજ શીખવી દે એ શિક્ષક !


આવા સાચા શિક્ષક આપને ..... 

શિક્ષક દિન નિમિત્તે શત શત પ્રણામ.... સહ ચરણ વંદના... 

... 2 ...

શિક્ષક દિન  


તમે વકીલ, ડોક્ટર, સી.એ. વગેરેનું વિઝીટીંગ કાર્ડ ક્યારેક ને ક્યારેક જોયું હશે. ક્યારેય “શિક્ષક”નું વિઝીટીંગ કાર્ડ જોયું ? આપણે ઉતાવળ નથી, મસ્તિષ્ક પર ભાર આપીને શાંતિથી યાદ કરો, ક્યારેય જોયું ? શિક્ષક- સમાજ નામનાં સ્તંભ ઉપર સૌથી ટોચે બેઠો છે. તેની પોતાની ઓળખ એક કાગળની ચબરખીને આશ્રિત નથી. એક શિક્ષકની ઓળખ એનું નોલેજ છે, એની વર્તણૂક છે, એની નિષ્ઠા છે. 


એક સામાન્ય માણસ અને એક શિક્ષકમાં રહેલો તફાવત ક્યારેય નોંધ્યો છે ? ધૂર્ત બનવાની તુલનામાં બેવકૂફ બનીને પણ સંતોષ માને એ સામાજિક પ્રાણીનું નામ “શિક્ષક” છે. પંતુજી શબ્દ શિક્ષક માટે વપરાય છે. ગર્વ કરો કે, આપણા માટે “લાંચિયો”, “ભ્રષ્ટાચારી” કે “કામચોર” શબ્દ વપરાતો નથી. સ્કૂલ એ તો એક ચોક્કસ સ્થળે ઉભી કરેલી ભૌતિક સગવડ છે. સાચી સ્કૂલ તો શિક્ષકમાં છે. સ્કૂલ છે તો શિક્ષક નથી, શિક્ષક છે તો સ્કૂલ છે ! 


શિક્ષક શું છે ? જાઓ, એ લોકોને જોઈ આવો જેનાં જીવનમાં શિક્ષક નથી આવ્યો. શિક્ષક ન હોય તો એના પરિણામ કેવા હોય ? એ જોવું હોય તો એ ગામોનો પ્રવાસ કરો જ્યાં છેલ્લાં ઘણાં વર્ષોથી સ્કૂલ કે શિક્ષક નથી. ફિલોસોફર સ્ટોન એટલે કે પારસમણી ક્યારેય પોતાને સોનાનો બનાવી ન શકે પણ એ અન્ય લોખંડના ટુકડાને સુવર્ણ બનાવી દે. ALL TEACHERS ARE PHILOSOPHER’S STONE.


શિક્ષકનાં એક અન્ય હિડન ગુણની વાત કરું. સરકારી નિયમ મુજબ તેણે તમામ બાળકોની જાતિ/જ્ઞાતિ રજીસ્ટરમાં નોંધવી પડે છે. આ વ્યવસાયકારની મહાનતા જુઓ સાહેબ, એ માત્ર રજીસ્ટરમાં જ નોંધ કરે છે ક્યારેય મગજ કે હૈયામાં એની નોંધ કરતો નથી. એનાં માટે તમામ બાળકો સરખા છે. ધનિકનું બાળક હોય કે ગરીબનું, એના માટે એ માત્ર “વિદ્યાર્થી” છે. જો શિક્ષકોએ ક્યારેય એવા ભેદભાવ રાખ્યા હોત તો એક ગરીબનું બાળક ક્યારેય લાલ બહાદુર શાસ્ત્રી ન બની શક્યું હોત ! 


કેટલાંક ધનકુબેરો પોતાની સંપત્તિનું ૮૦% તો કોઈક ૯૦% દાન કરે છે. બીજા દિવસે છાપાઓમાં એમનાં સ્તુતિ-ગાન થાય છે. એક સાચાં શિક્ષક પાસે જ્ઞાનરૂપી ધન જ હોય છે અને તે પોતાનાં વિદ્યાર્થીઓ પર એ ધન ૧૦૦% ન્યોછાવર કરી દે છે. હવે કહો આનાથી મોટો કોઈ દાનવીર ખરો કે જે પોતાની ૧૦૦% સંપત્તિ લૂંટાવી દેતો હોય ? 


એક ગરીબ માં જ્યારે પહેલી વખત પોતાનાં બાળકને નિશાળે મૂકવા આવે છે ત્યારે એ બાળક રડે છે. માં ને પણ એમ થાય છે કે, આ મારું બાળક અહી સ્કૂલમાં કેવી રીતે રહેશે ? તે વખતે એક શિક્ષિકા આવીને એ બાળકનો હાથ ઝાલે છે. એ શિક્ષિકા આંખના ઈશારાથી માં ને જવાનું કહે છે. તે સમયે એક અલૌકિક ઘટના બને છે. જે ઘણાને ધ્યાનમાં નથી. તે સમયે એ બાળક એક માં ની આંગળી મૂકીને બીજી માં ની આંગળી પકડે છે. માં સમાન હોય તે માસ્તર ને બાકીના ટીચર, સમજાય તો સારું. 


શિક્ષકનુ સ્થાન ક્યારેય કોઈ નહી લઈ શકે. ટેકનોલોજી પણ નહી. એય અનુભવ સૌને થયો કે, ટેકનોલોજી મગજને બુર્જ ખલીફા બનાવી શકે છે પણ હૃદયને ઉજ્જડ રેગીસ્તાન બનાવી દે છે. સારું જીવન જીવવા બંનેનો વિકાસ જરૂરી છે. એજ્યુકેશનની મોબાઈલ એપ્લીકેશન, વિડીઓ, ફાઈલો એ “સેવ-મમરા” છે. એ નાસ્તા માટે સારાં છે. એ ક્યારેય સમાજની ભૂખ નહી ભાંગી શકે. “સેવ-મમરા” ક્યારેય ભોજનનો વિકલ્પ ન બની શકે. 


શિક્ષક કેટલો ભાગ્યશાળી છે, જુઓ. આ દેશનો ભવિષ્યનો વડાપ્રધાન, ભવિષ્યનો કોઈ શ્રેષ્ઠ ડોક્ટર, ભવિષ્યનો કોઈ વૈજ્ઞાનિક, ભવિષ્યનો કોઈ પરમવીર ચક્ર વિજેતા સૈનિક, ભવિષ્યનો કોઈ બાહોશ વકીલ એ બધાં વર્તમાનમાં શિક્ષકના હાથ નીચે ભણી રહ્યાં હશે. શિક્ષકને ભવિષ્યનો નિર્માતા એમ ને એમ નથી કહ્યો. 


ભવિષ્યના નિર્માતાને કોટિ કોટિ વંદન.


... 3 ...

૧૨મી ઓકટોબર ૨૦૧૨નો દિવસ હતો. ગુજરાતના  સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીએ એમના ૪૫માં જન્મદિવસે અમેરિકાની ધરતી પરથી એક સંકલ્પ કર્યો કે હવે પછીના ૫ વર્ષ મારા પરિવાર માટે કમાવું છે પરંતુ ૫ વર્ષ બાદ જ્યારે મારો વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ થાય અને મને ૫૧મું વર્ષ શરુ થાય પછી જ્યાં સુધી જીવું અને જેટલું કમાઉ એ બધું જ સમાજ માટે વાપરવું છે. 


૫ વર્ષ બાદ ૧૨મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પોતાના વતન સુરેન્દ્રનગર ખાતે ગુજરાતના સાક્ષરોની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું અને ૩૦૦૦થી વધુ લોકોની હાજરીમાં જાહેર કર્યું કે આજથી મારા તમામ કાર્યક્રમોની જે કઈ આવક થશે એ આવક પર મારો અધિકાર નહિ હોય, મારી બધી જ આવક હું શિક્ષણ અને આરોગ્ય સેવા માટે વાપરીશ. 


જાહેરાત કર્યાને પ્રથમ વર્ષ પૂરું થયું ત્યારે જગદીશભાઈએ પોતાની વર્ષ દરમ્યાનની કમાણીનો સરવાળો કર્યો તો ૪૪ લાખ જેવી માતબાર રકમ થઇ. આ ૪૪ લાખમાંથી ૪૨ લાખ વર્ષ દરમ્યાન શાળાના સમારકામમાં, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવામાં અને ગરીબ માણસોના હોસ્પિટલના બિલ ભરવામાં વાપર્યા. પ્રથમ વર્ષના અંતે જગદીશભાઈએ વિચાર કર્યો કે ભારતના લોકોના સરેરાશ આયુષ્યને ધ્યાને લેતા કદાચ હું ૭૫ વર્ષ જીવું. એક વર્ષની મારી કમાણી ૪૪ લાખ થઇ એ રીતે  વનપ્રવેશ પછીના મારા ૨૫ વર્ષની કમાણી ગણીએ તો ૧૧ કરોડ થાય. મારી ૨૫ વર્ષની ઉમરથી ૫૦ વર્ષની ઉમર સુધી સમાજે મને આપ્યું છે તો હવે ૫૦ થી ૭૫ સુધી મારે સમાજને આપવું જોઈએ. જગદીશભાઈએ પોતાના ૫૧મા જન્મદિવસે બીજો સંકલ્પ કર્યો કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધીમાં ઓછામાં ઓછા ૧૧ કરોડ શિક્ષણ અને આરોગ્ય માટે સમાજને આપીશ. આ સંકલ્પ કોઈ ઉદ્યોગપતિએ નહીં પણ એક કલાકારે કર્યો હતો.


કદાચ એવું બને કે જીવનયાત્રા વહેલી પુરી થઇ જાય અથવા તો જીવનયાત્રા ચાલે પરંતુ કાર્યક્રમ ન મળે અને આવક બંધ થઇ જાય તો આ નક્કી કરેલા ૧૧ કરોડ કેવી રીતે આપવા ? જગદીશભાઈએ પોતાની જાત સાથે કમીટમેન્ટ કર્યું કે આવું કંઈ બને તો મારી કમાણીમાંથી મેં જે મિલકતો ઉભી કરી છે એ મિલકતો વેંચીને પણ ૧૧ કરોડના દાનનો સંકલ્પ હું કે મારો પરિવાર અવશ્યપણે પુરો કરીશું. 


જગદીશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે પોતાના જન્મદિવસે સેવાનું સરવૈયું રજુ કરે છે જેમાં વર્ષ દરમ્યાન કેટલી આવક થઇ અને આ રકમ ક્યાં ક્યાં વાપરી એ તમામ વિગતો જાહેર કરે છે. સેવાનું આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે. આપ સૌને જાણીને આશ્વર્ય થશે કે આ ચાર વર્ષ દરમ્યાન જગદીશભાઈએ  ૨ કરોડથી વધુ રકમ જુદા જુદા સેવા પ્રકલ્પો માટે વાપરી છે જેમાંથી ૫ શાળાઓનું સમારકામ કે નવા ઓરડા બાંધવાનું કામ, ૨ લાઈબ્રેરી બનાવી, કેટલાય ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરી અને કેટલાયના હોસ્પિટલના બિલ પણ ચુકવ્યા. 


કરોડોની કમાણી પછી પણ લોકોથી રૂપિયાનો  મોહ છૂટતો નથી જ્યારે અહી આ શ્વેત્વસ્ત્ર ધારી સંસારી માણસ છેલ્લા ૪ વર્ષથી પોતાની બધી જ કમાણી સમાજના લોકોની સુખાકારી માટે વાપરી રહ્યા છે.  ગયા અઠવાડિએ એમના ઘરે જવાનું થયું ત્યારે મેં જોયું કે પોતે સુરેન્દ્રનગરમાં એક સામાન્ય મકાનમાં રહે છે. ઘરમાં એવું કોઈ ખાસ ફર્નીચર પણ નથી. પોતાનાં માટે સુવિધાનો વધારો કરવાને બદલે આ માણસે બીજાની અગવડતાઓ કેમ દુર થાય એનો વિચાર કરીને અમલ પણ કર્યો છે. 


જગદીશભાઈ આપની સેવાને સો સો સલામ.

... 4 ...

*શિક્ષકદિન નિમિતે એક વાત*


*વર્ગ બને જો સ્વર્ગ*


શિક્ષકના વ્યવસાયને માળી સાથે સાથે સરખાવવામાં આવે છે. માળી એક એક છોડનું કેટલા પ્રેમથી જતન કરે છે! શિક્ષકની સામે બેઠેલું પ્રત્યેક બાળક એક કુમળો છોડ છે જેને પ્રેમ અને વાત્સલ્યના પાણીનું સિંચન જરૂરી છે.


*શિક્ષકને માટે 'માસ્તર' શબ્દ ખુબ પ્રચલિત છે. આ માસ્તર શબ્દનું કોઈએ સરસ અર્થઘટન કર્યું છે. માંના સ્તર સુધી પહોંચે તે મા-સ્તર.* બાળક અપંગ હોય કે મંદબુદ્ધિનું પણ માંના વાત્સલ્ય અને કાળજીમાં કોઈ ભેદ પડતો નથી એવી જ રીતે શિક્ષક માંના સ્તરે પહોંચે તો પછી કોઈ બાળક એના માટે નકામો રહેતો નથી. જેવો હોય તેવો પણ એ મારો વિધાર્થી છે એવો ભાવ એનામાં જાગે છે.


એક વખત એક શાળાની મુલાકાતે આવેલા નિરીક્ષક અધિકારીએ વર્ગમાં બાળકોને પ્રશ્ન પૂછ્યો - 'તમને અહીં કોણ વધુ ગમે? આચાર્ય, શિક્ષક કે શિક્ષિકાબહેન?' એક બાળકે ભોળાભાવે જવાબ આપ્યો, 'સાહેબ, પટાવાળો! કેમ?' બાળકે એવા જ ભોળાભાવે નિખાલસતાથી કહ્યું- પટાવાળો ઘંટ વગાડે એટલે શાળાએથી છૂટીને ઘેર જવા મળે.'

બાળકને ઘંટ વગાડીને શાળા છૂટવાનો સંકેત આપતો પટાવાળો ગમે છે એનું કારણ- એનો જવાબ સરળ છે. બાળકને શાળા ઘર જેવી લાગતી નથી. ઘરમાં જે પ્રેમ, સહાનુભૂતિ, સ્વીકારનું વાતાવરણ છે તેવું વાતાવરણ આ એકવીસમી સદીમાં પણ શાળાઓ પોતાના બાળકો માટે ઉભું કરી શકી નથી.


બાળકને માટે વર્ગ સ્વર્ગ નહિ બની શકવાનાં અનેક પરિબળોમાં શિક્ષકનું વલણ, તેનો બાળકો પ્રત્યેનો અભિગમ- હકારાત્મક કે નકારાત્મક - તેનો વર્ગ વ્યવહાર, વિષય પરની પકડ, ભણાવવાની શૈલી, સ્વભાવ જેવી અનેક બાબતો ભાગ ભજવે છે.


શિક્ષક જો માંના સ્તરે પહોંચે તો વિધાર્થી માટે શાળા જેલને બદલે ઘર બની રહેશે; પછી શાળા છૂટવાની નિશાનીરૂપે  ઘંટ વગાડતો પટાવાળો અને ભણાવતા શિક્ષકોથી છૂટા પડતાં આનંદ નહિ પણ દુઃખ થશે અને પ્રત્યેક વર્ગ એને માટે સ્વર્ગ બની રહેશે.


ઇંગ્લેન્ડની એક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો. નિબંધનો વિષય હતો- 'What can I do so that you can grow' બ્રેડલે નામના વિદ્યાર્થીએ લખ્યું-


If you look at me gently,

If you look at me and smile,

And smile at me, I will grow, I will grow.

 

શિક્ષકે વર્ગમાં, વર્ગ બહાર, શાળાના મેદાનમાં આજ કરવાનું રહે છે. વિદ્યાર્થીઓ સાથે પ્રેમભર્યો મધુર વ્યવ્હાર કરવો જ રહ્યો.

5...

*શિક્ષકદિન* 


*"સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે* ;

 *સૌંદર્યો પામતાં પહેલાં સુન્દર બનવું પડે* "

   *(કલાપી)* 


 *કોઈપણ ભોગે સેવા, કોઈપણ કિંમતે સત્તા નહીં* 

                                                             

   *ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન* 

 5 સપ્ટેમ્બર1888ના રોજ ચેન્નાઈ નજીકના પવિત્ર યાત્રાધામ તિરૂતની ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અને તત્ત્વજ્ઞાનના પ્રોફેસર થઈ 17 વર્ષ સુધી યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યાં. ત્રણ વર્ષ રશિયાના એલચી, દસ વર્ષ ઉપરાષ્ટ્રપતિ અને પાંચ વર્ષ રાષ્ટ્રપતિ તરીકેનું ગૌરવપદ શોભાવ્યું. 'સર', 'ભારતરત્ન' અને 'ટેમ્પલટન' એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 150 જેટલાં પુસ્તકો લખીને અમૂલ્ય ભેટ વિશ્વને ચરણે ધરી. આવા આદર્શ, આજીવન શિક્ષક અને વિશ્વવિભૂતિનું તા.16-04-1975ના રોજ મદ્રાસ હોલ ખાતે અવસાન થયું. એમની ઈચ્છા મુજબ એમના જન્મદિવસને 'શિક્ષકદિન' તરીકે ઉજવવામાં આવે છે.


         *વિશ્વભરમાં* શિક્ષકદિન વિવિધ રીતે જુદા જુદા દિવસે ઉજવાય છે. ચીનમાં કન્ફયુશિયસના જન્મદિવસ દસમી સપ્ટેમ્બરે, રશિયામાં પાંચમી ઑકટોબરે, મલેશિયામાં ચોવીસ નવેમ્બરે, થાઈલેન્ડમાં સોળમી જાન્યુઆરીએ, યુ.એસ.એ.માં મે માસના પહેલા મંગળવારે અને ઈરાનમાં બીજી મેએ શિક્ષકદિનની ઉજવણી થાય છે.


        *શિક્ષકદિન* એટલે આપણા શિક્ષણજગતના અનોખા પર્વની ઉજવણી.


શિક્ષકદિન નિમિત્તે કેટલાક મહાપુરુષોએ આપેલી શિક્ષકની વ્યાખ્યાઓ.

                                                                   


ગુરુ ગોવિંદ દોનોં ખડે કાકો લાગું પાય,

બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.

          *તુલસીદાસજી*


બાળકમાં ઈશ્વરનો અંશ હોય છે. તેને શિક્ષણ, સંસ્કાર, કેળવણી આપવાની જવાબદારી સમાજમાં શિક્ષકને સોંપવામાં આવી છે.

           *ડાંગરેજી મહારાજ* 


ભણાવે તે નહીં, ભણતો કરે તે શિક્ષક.

          *રવિશંકર મહારાજ* 


પ્રધાન આચાર્યના હાથમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી હોતી.

         *વિન્સ્ટન ચર્ચિલ* 


શિક્ષકમાં ભૂમિકા, ભાવ,વેશ અને ભાષા હોવા જોઈએ.

            *મોરારીબાપુ* 


બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,

વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હ્રદય હ્રદયના વંદન તેને.

           *ઉમાશંકર જોશી*


શીલવાન સાધુ,પ્રજ્ઞાવાન જ્ઞાની,કરુણાવાન મા હોય છે.

પરંતુ શિક્ષક તો સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે.

              *વિનોબા ભાવે* 


શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમેં પલતા હૈ!

             *ચાણક્ય* 


જેને માણસોનું ઘડતર કરવાનું છે એને કોઈપણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ.

           *સરદાર વલ્લભભાઈ પટેલ* 


વિદ્યાર્થી ઈશ્વરનું એક રૂપ છે. એને શીખવવું એટલે ઈશ્વરની સેવા કર્યા જેવું છે, એમ માનીને અધ્યાપન કાર્ય કરવું જોઇએ.

             *ગાંધીજી* 


શિક્ષક અત્યંત કુશળ કારીગર હોવો જોઈએ.

કુંભાર માટીમાં કામ કરે છે, સુથાર લાકડામાં કામ કરે છે, લુહાર લોહામાં કામ કરે છે, જ્યારે શિક્ષકને જીવતાં જાગતાં કુમળાં બાળકો સાથે કામ કરવાનું છે.

           *કાકાસાહેબ કાલેલકર* 


સાધક, સંદર્ભ અને સજાગ હોય તે શિક્ષક.

          *જગદીશ ત્રિવેદી* 


મારો જન્મ મારા માતા પિતાને આભારી છે,પણ

મારું જીવન તો મારા શિક્ષકને આભારી છે.

            *એલેક્ઝાન્ડર* 


સાચો શિક્ષક, જે વર્ગને સ્વર્ગ બનાવે.

           *સ્વામી સચ્ચિદાનંદ* 


શમણાંને સેવે તે શિક્ષક, માત્ર આકાંક્ષાઓ એ જીવન નથી. સ્વપ્ન સાથે જીવનને જોડે તે શિક્ષક.

             *નરેન્દ્ર મોદી* 


The Teacher is a Friend, Philosopher and Guide.

       *Thomas R. Risk* 


A Teacher must be proud of his profession and he should have faith in his work.

        *Dr. Sarvapalli Radhakrishnam*


અન્ય નોકરી વ્યવસાય પ્રાપ્ત થવાનાં કારણોની ખબર નથી પણ શિક્ષકનું સર્જન એટલે દેવદૂત તેથી તેણે પોતાનામાં રહેલ વિશિષ્ટ કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી સંપૂર્ણ સમર્પિતભાવથી વિદ્યાર્થીનું ઘડતર  કરવું જોઈએ એમ હું માનું છું.

            *મુકેશ ખત્રી* 


      "શિક્ષકદિન નિમિત્તે ભારતનું ભાવિ ઘડવામાં પાયારૂપ ફાળો આપનારા આદર્શ ગુરુજનો ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે, ઉમાશંકર જોશી, ગિજુભાઈ બધેકા,નાનાભાઈ ભટ્ટ, કરૂણાશંકર ભટ્ટ, જુગતરામ દવે વગેરે મહાનુભાવોને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ.


            મારા ગુરુજનો અને ગૌરવશાળી શિક્ષકબંધુઓને જય યોગેશ્વર."


 *ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ* ,

 *છું એવો નહિ રંક કે અવરની મારે દયા જોઈએ* 

             *(પતીલ)* 

From

Mukesh Dheniya

Patan.

4/09/2021

6...

મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું. 

મને માનવ ધર્મ નો સાર ન આપો, હું શિક્ષક છું. 


મારે સાંકળ નહી ઝાકળ ઝીલવાની હોય છે, 

આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું. 


મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં, 

સાવ મને  મશીનનો આકાર ન આપો, હું શિક્ષક છું. 


હું મથું છું ચોમાસું જીવતું કરવા રોજેરોજ, 

મને સુકકા રણ જેવી કટાર ન આપો, હું શિક્ષક છું. 


હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છું ભલા આમ, 

લડવા હવા સાથે મને તલવાર ન આપો, હું શિક્ષક છું. 


હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની, 

તમે  મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું. 


સાત સમંદરની ખળખળ ભરી છે મારી ભીતર, 

મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું. 


મારી ડાળે ડાળમાં  ફુટે છે આનંદની ટશરો, 

મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું. 


હું નથી મ્હોતાજ કોઈ એવોર્ડ કે પ્રમાણપત્રોનો, 

ખોટો સાવ નાટકિયો પ્યાર ન આપો, હું શિક્ષક છું. 


હું ફૂલ છું નાજુક ભણતરનું, ભણાવવા દ્યો, 

કરમાઈ જાઉં એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું. 


*શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા,*

*મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છું.*

7...





Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...