એક પ્રસંગ 108 નો...
અમે બધાંએ જોયું તો ઉચ્ચતર માધ્યમિક વિભાગનો એટલે કે ધોરણ 11 કે 12 નો એક વિધાર્થી ટોઈલેટ બ્લોકના વચ્ચેના ભાગમાં બેભાન ચત્તાપાટ પડ્યો હતો.એની છાતી ધમણની જેમ ફુલતી હતી અને શ્વાસોશ્વાસ ઝડપી બની ગયો હતો. એનું શરીર થોડું ઉછાળા પણ મારતું હતું. મોંમાથી ફીણ પણ નીકળી ચૂક્યું હતું. હિતેશ, કિરીટભાઈ અને જય એને ઊંચકીને ટોઈલેટ બ્લોકના દરવાજા સુધી લઈ આવ્યા. હું હાંફળો ફાંફળો થઈ સ્ટાફ રૂમમાં હાજર મિત્રોને મદદ માટે બોલાવી લાવ્યો. છ સાત શિક્ષકો ભેગાં મળીને એની સેવા સુશ્રુષામાં લાગી ગયાં.એને પહેલાં બાજુના વર્ગમાં લઈ ગયાં બાદમાં એને અમારા ટ્રસ્ટ રૂમમાં લઈ ગયાં. આ દરમ્યાન મેં પહેલાં અમારી શાળાથી એકદમ નજીક આવેલ સરકારી દવાખાનામાં એક ડોક્ટરને ફોન કરીને અહીં તાત્કાલિક આવવા જણાવ્યું. સામેથી ડોક્ટરે એવું કહ્યું કે અત્યારે રિશેષ ચાલતી હોવાથી કોઈ ડોક્ટર હાજર નથી. આપ એ વિધાર્થીને અહીં લઈ આવો. અમે એને ત્યાં લઈ જવાની સ્થિતિમાં નહોતાં. વળી આ હાલતમાં એને ત્યાં લઈ જવાનું ઉચિત ન લાગતાં, મેં તરત જ 108 ને ફોન જોડ્યો. તરત જ ફોન લાગ્યો. એમને હકીકત જણાવી. ત્યાંથી એવો જવાબ મળ્યો કે નજીકની એમ્બ્યુલન્સ અન્ય દર્દીમાં બિઝી હોવાથી, ડાકોર કે ઠાસરાની એમ્બ્યુલન્સ મળશે. મેં તરત જ ડાકોરની એમ્બ્યુલન્સ બુક કરાવી. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ચાલકનો ફોન આવી ગયો. લોકેશન જાણીને કહ્યું કે પંદરેક મિનિટમાં પહોંચીએ છીએ. અને એની ઉચાટ સાથે પ્રતીક્ષા કરવા લાગ્યાં.
આ બાજુ, ઓમાનને ટ્રસ્ટ રૂમમાં એક ખુરશીમાં બેસાડેલ હતો. હાજર સૌ શિક્ષકો અને સેવકમિત્રો એની સેવા અને સારવારમાં લાગેલાં હતાં.એના માથામાં સાઈડ પરનો ઘા દેખાતો હતો, એમાંથી લોહી બંધ નહોતું થતું. એટલે ચિંતા વધતી હતી. જો કે એ ભાનમાં આવી ગયો હતો અને આંખો ખોલી હતી એ સારો સંકેત હતો.અમે સૌ એને ન ગભરાવાની તેમજ કાંઈ નહીં થાય એવી હૈયાધારણ આપતાં હતાં.એનાં વર્ગ શિક્ષક શ્રી ડી.સી.રોહિતે એના વાલીને ફોન કરી દીધો હતો એટલે એનાં મમ્મી પણ આવી ગયા હતાં. એ એને દવાખાને લઈ જવા તૈયાર હતાં પણ અમે ના પાડતાં કહ્યું કે 108 બોલાવી જ છે એટલે એને આવી જવા દો. પછી એ કહેશે એમ કરીશું પરિસ્થિતિ હળવી બનતી જતી હતી. છોકરા પ્રત્યેની અમારી ચિંતાજનક સ્થિતિ હળવી બની ગઈ હતી.
થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. હાજર સ્ટાફને સઘળી હકીકત જણાવી. એમણે ઓમાનની નાડી, છાતીના પલ્સ વગેરે તપાસી પૂછપરછ કરી અમને ચિંતામુક્ત થવાં કહ્યું. પછી એને એમ્બ્યુલન્સમાં લઈ જઈ ટેમ્પરેચર, બી.પી.વગેરે માપીને નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઈ ગયાં. અમે રાહતનો દમ ખેંચ્યો હતો અને ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો. થોડી ચર્ચાઓ કરી ફરી પાછાં સૌ સૌના કામે લાગી ગયાં. મેં અંદર જઈ મારું લંચ કર્યું.
અડધા કલાક પછી સી.એચ.સી.માંથી સારવાર લઈ શાળાના ગેટ આગળથી ઘરે જવાં પસાર થતાં ઓમાન અને એનાં મમ્મીને શ્રી ડી.સી.રોહિતે મળીને પૂછપરછ કરતાં ઓમાન એકદમ ઠીક જણાયો હતો.એનાં મમ્મી કહેતાં હતાં કે આને આવું પહેલી વાર થયું છે અને એને વાયુ ચઢવાનો કોઈ પ્રોબ્લેમ નથી.
બીજે દિવસે એ શાળામાં આવ્યો ન હતો પણ મેં એનું ઉદાહરણ આપીને સમગ્ર ઘટનાનું વર્ણન કરીને વિધાર્થીઓએ આવી પરિસ્થિતિ ટાળવાં તથા આવી પરિસ્થિતિમાંથી બચવાનાં તરીકાઓ વિષે વક્તવ્ય આપીને વિધાર્થીઓને એલર્ટ કર્યા હતાં.
હિતેશ અમારી ભગિની સંસ્થા ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યાનો ડ્રાઈવર છે. એનું ટોઈલેટ બ્લોકમાં જવું ઓમાન માટે શુકનિયાળ સાબિત થઈ ગયું. જ્યુબિલીના ઈતિહાસમાં સૌ પ્રથમવાર 108 બોલાવવી પડી હતી. પરંતુ કોઈ મોટી ઘટના ના બની એનો અમને સૌને આનંદ હતો.
Comments
Post a Comment