2024-2025 ના પ્રારંભે...


મારા વહાલાં અને શિક્ષણ રથના સાથી શિક્ષક મિત્રો તથા અન્ય કર્મચારી મિત્રો, 

ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની પ્રિન્સીપાલ ડેસ્ક પરથી આપ સૌને નમસ્કાર, સ્વાગતમ્ ...🙏

મિત્રો, તારીખ 9.5.2024 થી શરૂ થયેલું ઉનાળાનું વેકેશન એના અંતિમ ચરણમાં છે.અને એ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આપ સૌને આ વેકેશનનો લાભ મળ્યો એ આનંદની વાત હતી. આપ સૌ ઉનાળાની કાળઝાળ ગરમીના આક્રમણથી આપને બચાવી શક્યા.આશા રાખું છું કે બધાં સાજા ભલા હશો અને આપના પરિવારમાં પણ સૌ હેમખેમ હશો.

મિત્રો મે માસમાં આવેલાં ધોરણ 10 અને 12 ના પરિણામોથી આપ વાકેફ છો જ. આપણી મહેનતથી આપણે ધાર્યા મુજબ સારા પરિણામો મેળવી શક્યાં છીએ એનો આનંદ છે.આ પરિણામોએ આપણને સમય - સંજોગો સામે હજી પણ સારી રીતે મહેનતથી લડવાનો સંદેશા સાથે એક નવું સ્વરૂપ બતાવ્યું છે.આ પ્રત્યે જાગૃત બની જાતને તૈયાર કરવાની છે. નવા શૈક્ષણિક સત્ર નો આ માટે આપણે સહિયારો પ્રયત્ન કરવાનો જ છે.

મારે અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ તો સરકારી નિયમાનુસાર વેકેશનમાં પણ શાળામાં  હાજરી આપવાની હતી. એમાં વળી મારી સૂચનાઓ અને આદેશ માથે ચઢાવીને એકમેકના સહયોગ અને મોટા ભાગના શિક્ષક મિત્રોએ શાળામાં હાજરી આપી હતી. અને એમના સહકારથી અમે પણ ઓફીસના તથા પ્રવેશ જેવાં અન્ય કાર્યો ચાલું રાખી અને આપણી સંસ્થાને મજબૂત સ્થિતિમાં લાવી શક્યા છીએ. 

આપ સૌના સાથ, સહકાર, સમર્પણ અને સમય પાલનથી આવતીકાલથી આપણે શાળા નવા જોમ, નવા જોશ અને નવા સ્વપ્નો સાથે શરૂ કરવાની છે. વિદ્યાર્થીઓ પણ શાળા આવશે. અને આપણું રાબેતા મુજબના શૈક્ષણિક કાર્યથી આપણી સ્કૂલ ગુંજી ઊઠશે.

મિત્રો હવે જ્યારે શાળા શરૂ થવાની જ છે ત્યારે હું આપ સૌને એક નવાં જોમ અને જુસ્સા સાથે શાળામાં આવકારીશ. આપ પણ એ જ સ્પિરીટ સાથે વિધાર્થીઓને આવકારશો અને નવા વર્ષના પડકારોને પહોંચી વળવા કટિબદ્ધ બનશો. આપે પણ વેકેશન પહેલાં મીટીંગમાં મેં કરેલાં સૂચનને સાર્થક બનાવતાં, આ રજાઓનો આપના વ્યવસાયિક જ્ઞાનને વધારવા માટે તથા આપના વિષયને ઉત્કૃષ્ટ રીતે વર્ગ ખંડમાં ભણાવી શકાય એવી તૈયારી કરી હશે.મિત્રો વિદ્યાર્થીઓ આપણી મૂડી છે અને જે આવતીકાલના નાગરિકો છે તેમને આપણાં વિષયમાં નિપૂણ બનાવવાં એ આપણી મૂળભૂત અને નૈતિક ફરજ છે.અને આપ સૌ એ જ આદર્શ અને તૈયારી સાથે શાળામાં આવશો એવી આશા અને અપેક્ષા  છે.

મિત્રો, વેકેશનમાં ઘણાં શિક્ષકોએ નવાં શૈક્ષણિક વર્ષ માટે નવીન વાંચન કે પ્રવૃત્તિઓ દ્વારા પોતાની વ્યવસાયિક લાયકાત વધારી હશે. નવાં શૈક્ષણિક સત્ર માટે પોતાની જાતને ફ્રેશ અને સક્ષમ બનાવી હશે. એનો લાભ વિદ્યાર્થીઓ અને સંસ્થાને અવશ્ય મળશે જ.

શિક્ષક મિત્રોએ જરૂરિયાત અને મારી સૂચનાઓ મુજબ શાળામાં ઉપસ્થિત રહી મને જે સાથ સહકાર આપ્યો એ માટે હું આપ સૌનો આભારી છું. એ સિવાય શ્રી કિરણભાઈ લગભગ રોજ શાળામાં આવીને અલગ અલગ કાર્યોમાં સહાયભૂત થયાં છે. એમનો હું ઋણી છું.

ખેર, હવે પછીથી ધ્યાન રાખશોજી. 

*આ શાળા ફક્ત મારી જ નથી.*

*આપણાં સૌની અને સહિયારી છે.* 

આપણે સૌ એના વિકાસ, પ્રગતિ અને જાળવણીના સરખાં હિસ્સેદાર છીએ. આપણાં હકોની સાથે જોડાયેલી ફરજોને કાંતો આપણે ભૂલી જઈએ છીએ કાંતો નજર અંદાજ કરીએ છીએ. જે યોગ્ય નથી.માટે નવા શૈક્ષણિક વર્ષથી આપણે સૌ ભેગાં મળીને મંડી પડીશું.એક નવા આવામ સાથે, એક નવાં પ્રકરણને ઉમેરવાં...

જ્યુબિલીને ઝળહળતી અને જીવંત રાખવી એ આપણું કર્તવ્ય છે. મેં ઘણી વાર કહ્યું છે કે મિત્રો "મારે શું ?" ની ભાવના વિનાશ નોંતરશે અને "મારાપણાં "ની ભાવનાનો વિકાસ કરાવશે.

આશા રાખીએ કે નવાં શૈક્ષણિક સત્રમાં આપણે સૌ શિક્ષણના આ મહાયજ્ઞને પૂરાં જોમ,જુસ્સો અને જવાબદારી પૂર્વક નિષ્ઠાથી આગળ વધારીએ. અને કાળની આ ધરી પર *125* વર્ષ પૂર્ણ કરતી આપણી જ્યુબિલી ને કીર્તિમાન બનાવીએ. નવાં શૈક્ષણિક સત્રની સૌને શુભેચ્છાઓ...💐

* આવતીકાલથી બીજી સૂચના ના મળે ત્યાં સુધી શાળાનો સમય સવારના 7.30 થી 12 .20 સુધીનો રહેશે. 

* શાળામાં આવીએ ત્યારે પૂરેપૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કાર્ય કરીશું. 

* સરકારી નિયમાનુસાર કાર્ય કરીશું, કરાવીશું.


લિ. આપનો આચાર્યશ્રી 

જયંતીભાઈ આઈ.પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...