નબળા કે ખરાબ પરિણામથી નાસીપાસ ના થવું
માર્ચ 2022 ના તમામ પરિણામ જાહેર થયાં છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે. રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો. કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી...